Saturday, 16 January 2021

આંખના રોગોની સેવા માટે ગુજરાતમાં ડંકો વગાડનાર સેવાભાવી ડો. રમણીકભાઇ મહેતા અવસાન પામ્યા

 આંખના રોગોની સેવા માટે ગુજરાતમાં ડંકો વગાડનાર સેવાભાવી ડો. રમણીકભાઇ મહેતા અવસાન પામ્યા

સ્વ.ડો. રમણીકભાઇ મહેતા
ગુજરાતમાંથી બાળ અંધત્વને દેશવટો આપી, ત્રાંસી આંખવાળા બાળકોના ઓપરેશન્સ કરી બાળકોને નવી દ્રષ્ટિ આપી, મોતિયા, ઝામર, પડદાના ઓપરેશન્સ સાવ મફત કરી આપી, ગુજરાતમાં આંખની હોસ્પિટલોમાં ‘સુપર સ્પેશ્યાલીટી આઇ હોસ્પિટલ’ નો ગુજરાત સરકારનો દરજજો પ્રાપ્ત કરનાર, છેલ્લા ૧૬ વર્ષથી માતૃભૂમિ વાંકાનેરને આંખની તબીબી સારવાર માટે આંખના દર્દોના શ્રેષ્ઠ તબીબોને અમેરીકા-ઇંગ્લેન્ડથી વાંકાનેર લાવી, કેમ્પો યોજી, આંતરરાષ્ટ્રીય નામના અપાવનાર વાંકાનેરના સપૂત ડોકટર રમણીકભાઇ મહેતાનું કોરોના મહામારીથી લંડન ખાતે દુઃખદ અવસાન થયેલ છે.
તબીબી સેવાઓ પૈકી ૧૦-૧ર નિષ્ણાંત તબીબોને બંધુસમાજ દવાશાળામાં (દેવદયા ડાયગ્નોસ્ટીક સેન્ટર) દર અઠવાડિયે લાવી, મામૂલી ચાર્જથી શ્રેષ્ઠ તબીબી સેવા ઉપલબ્ધ કરાવનાર, ડીજીટલ એકસ-રે, પેથોલોજી લેબોરેટરી, દાંતના દર્દોનો અદ્યતન વિભાગ અને ફીઝીયોથેરાપીની સેવાઓમાં ૬૦ ટકા નાણાંકીય રાહત આપી ગરીબો, મજૂરો, મધ્યમવર્ગી પરિવારોને મદદ, સ્ત્રીરોગો, બાળકોના રોગોની સેવા શરૂ કરનાર ડો. રમણીકભાઇ મહેતા છે.

ગુજરાતમાં ૩૩ શાળાઓ બાંધનાર, દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટના કર્મચારીઓને હંમેશા વગર વ્યાજની લોન આપનાર, એક એવા પત્નીના પતિ કે જેમના પત્નીએ દુનિયાનું ચોથા નંબરનું સૌથી ઉચું કિલીમાંજારો શિખર માત્ર ચેરીટી માટે સર કર્યુ, એક એવા પુત્રના પિતા જે વિશ્વના બેન્કીંગ વિશેષજ્ઞ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરેલ તેવા ડો. રમણીકભાઇ મહેતાનું સમાજ માટે ખૂબ યોગદાન રહયું છે.


ગરીબીમાં ઉછરી, સ્કોલરશીપથી મેડીકલનો અભ્યાસ કરી, તજજ્ઞ તબીબ બની છેલ્લા પપ વર્ષથી લંડનમાં રહેતા ડો. રમણીકભાઇ મહેતાનો પરિવાર માદરે વતન વાંકાનેરને છેલ્લા ર૦ વર્ષથી સર્વસ્વ સમર્પણ કરવામાં આગળ રહયો છે. વાંકાનેર ખાતે દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ લલિતભાઇ મહેતા તથા ટ્રસ્ટીઓ, સંખ્યાબંધ સામાજીક આગેવાનો અને જૈન સમાજે  ડો. રમણીકભાઇ મહેતાને ભાવભીની શ્રધ્ધાંજલિ પાઠવી હતી. તેઓશ્રીનું ટેલિફોનીક બેસણું સોમવાર, તા. ૧૮ જાન્યુઆરીના રોજ સવારે ૧૧ઃ૩૦ થી ૧રઃ૩૦ રાખેલ છે. મોબાઇલ નંબર અનંતરાય મહેતા (૯૪ર૬ર ૩૭પ૬૭), નિખીલભાઇ મહેતા (૯૪ર૮૮ ૮૯પ૮ર) ધવલભાઇ (૯૪૦૮૯ ૩૯૯૮ર)

અહેવાલ: નવદીપ ભટ્ટી વાંકાનેર



No comments:

Post a Comment