વધુ પાછળ જવાની જરૂર નથી. એકાદ પેઢી અગાઉ એટલેકે પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલાં વયસ્કો, પ્રૌઢો, નિવૃત્ત લોકો સવાર સાંજ મંદિરે સત્સંગ કરવા જતાં. આપણે સત્સંગના ફાયદા ગણીએ અને આધુનિકીકરણ બાદ તેની અવેજીમાં કરવી પડતી કામની યાદી જોઈએ.
પહેલું,
સત્સંગ માટે મોટેભાગે નજીકના મંદિરે ચાલીને જતાં આવતાં. દિવસમાં બે વાર જવા આવવાનું. સહેજેય ચાર પાંચ કિલોમીટર ચાલવાનું થઈ જતું. અત્યારે જાહેરાતો કરવી પડે છે કે રોજ એકાદ કલાક અથવા પાંચ કિલોમીટર ચાલવું જોઈએ.
બીજું,
સત્સંગમાં મોટે મોટેથી કીર્તનો ગવાતા. ગળાની અને ફેફસાની કસરત થઈ જતી. અત્યારે આ માટે લાફિંગ કલબોમાં જવું પડે છે.
ત્રીજું,
કીર્તનો ગાતાં ગાતાં અડધો કલાક તાળીઓ પાડતા. અજાણતા કેટલી સરસ કસરત થઈ જતી. અત્યારે અક્યુપંચર સારવારમાં હથેળી અને આંગળીઓના બધા પોઈન્ટ દબાય માટે તાળીઓ પાડવા કહેવાય છે.
ચોથું,
રોજિંદા કામમાંથી મુક્તિ મળે, થોડીવાર નવું વાતાવરણ મળે, ભગવાનને યાદ કરે, મન શાંત થાય, એકચિત્તે બેસવાની આદત પડે. અત્યારે આ માટે રૂપિયા ખર્ચી મેડીટેશન માં કોર્સ કરવા પડે છે.
પાંચમું,
સત્સંગમાં સારા માઠા બધા પ્રકારના લોકોનો સંપર્ક થાય અને વ્યવહારુ જ્ઞાન મળે અને વ્યક્તિ ઘડાય. અત્યારની સાસુ વહુના કાવાદાવા વાળા ધારાવાહિક જોવાની જરૂર ન પડે.
છઠું,
મનભજન કીર્તન કથાઓ પુરાણો કંઠસ્થ ન હોય માટે વાંચવાની આદત પડે. સત્સંગમાં હાજરી આપતી દરેક વ્યક્તિ વારાફરથી પાઠ વાંચતી. અત્યારે વાંચન ભુલાતું જાય છે.
છેલ્લું,
થોડું રમુજી પણ હકીકત. સત્સંગમાં સગપણ નક્કી થતાં. સત્સંગ પુરો થતાં ડોશિયું અને ભાભલાવ પંચાત કરવા બેસતાં અને એકબીજાની સાત પેઢી સુધીની માહિતી મેળવી લેતા અને કેટલાય દીકરા દીકરીઓના સગપણ નક્કી કરી દેતાં. અત્યારે વ્યવહાર ઘટતાં મેરેજ બ્યુરો અને મેટ્રીમોનિયલ સાઈટ નો આશરો લેવો પડે છે.
એકંદરે જોતાં જુના રીતિરિવાજો એવા હતાં કે એક પ્રવૃત્તિમાં જાણે અજાણે ઘણાં કામો આવરી લેવાતાં.
સંકલન: નવદીપ ભટ્ટી વાંકાનેર
No comments:
Post a Comment