વાંકાનેરમાં ૨૫ ડિસેમ્બરથી ભવ્ય અશ્વ-શો, પ્રદર્શન-રમતોત્સવનું આયોજન...
વાંકાનેર રાજવી અને રાજયસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાનાં અધ્યક્ષસ્થાને ભવ્ય અશ્વ શો નું આયોજન : તા.૨૭મી ભવ્ય લોકડાયરો યોજાશે
વાંકાનેર : (નવદીપ ભટ્ટી) વર્તમાન રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાના પિતા તેમજ પૂર્વ કેન્દ્રીય પર્યાવરણમંત્રી સ્વ. ડો.દિગ્વિજયસિંહજી ઝાલાની યાદમાં આગામી ૨૫,૨૬,૨૭ અને ૨૮ ડિસેમ્બર દરમિયાન વાંકાનેર ખાતે ૧૭મો 'કામા' અશ્વ પ્રદર્શન તથા રમતોત્સવ-૨૦૨૫ યોજાશે. આ કાર્યક્રમની રૂપરેખા અનુસાર ૨૫ ડિસેમ્બર બપોરે ૩ વાગ્યે અશ્વ પ્રદર્શન તથા નગરયાત્રા યોજાશે જ્યારે ૨૬ અને ૨૭ડિસેમ્બરે દિવસ દરમિયાન વાંકાનેરના પેડક વિસ્તારમાં અશ્વ શો સ્પર્ધા યોજાશે. તેમજ ૨૭ ડિસેમ્બર રાત્રે ૯:૩૦ વાગ્યે લોકડાયરાનું આયોજન કરાયું છે જેમાં અનુભા ગઢવી, હકાભા ગઢવી, ધવલભાઈ બારોટ, આદિત્ય ખડીયા તથા વિજયાબેન વાઘેલા પોતાની કલા રજૂ કરશે. કાર્યક્રમના છેલ્લા દિવસે એટલે કે ૨૮ ડિસેમ્બરે રવિવારે સવારે ૮:૦૦ વાગ્યાથી શેષ અશ્વ શો સ્પર્ધા તથા સાંજે ૪ વાગ્યે ઇનામ વિતરણ બાદ કાર્યક્રમનું સમાપન કરવામાં આવશે. વાંકાનેર પંથક વિસ્તાર ઘણા વર્ષો બાદ અશ્વોની હણહણાટી તેમજ દિલધડક રમતો જોવાનો અવસર પ્રાપ્ત થશે.તેમજ સમગ્ર કાર્યક્રમ વાંકાનેર સ્ટેટ તથા રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાના માર્ગદર્શન તેમજ તેમની અધ્યક્ષસ્થાને યોજાનાર છે.